×

ઈ- પંચાયત

ગુજરાતના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવા તેમજ ગામડાંઓનું આધુનિકરણ કરી શહેરી વિસ્‍તારમાં નાગરિકોને મળતી ઈ-સેવાઓ જેવી ઈ-સેવાઓ ગ્રામજનોને પણ ઈ-ગ્રામ પંચાયત દ્વારા પુરી પાડવાનો મુળ હેતુ છે. તેમજ ઈ-ગ્રામ પંચાયતની વિવિધ કામગીરીને ઈન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્થિત, સમયબધ્ધ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણપત્ર, વિવિધ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના ઉપલબ્‍ધ કરાવવાં. બી.પી.એલ. લાભાર્થીઓને પસંદગી વધુ પારદર્શક અને નિયમોનુસાર હાથ ધરવી. મિલકત આકારણી અને વેરા વસુલાતની કામગીરી સરળ બનાવવી. પંચાયતીરાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વધુ અસરકારક બનાવવું. ઈન્‍ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જિલ્‍લા, રાજય, દેશ તથા વિશ્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં પરિવર્તન અને ગતિશીલતા લાવવાનો મુળ હેતુ છે.

ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતોમાં કોમ્‍પ્‍યુટરો તથા તેને આનુસાંગિક હાર્ડવેર પુરા પાડવામાં આવેલ છે. અને કોમ્‍પ્‍યુટરો મારફત ઈ-સેવાઓ આપવા માટેની સગવડ ચાલુ કરવામાં આવેલ છે. એન.આઈ.સી. ગાંધીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઈ-ગ્રામ નામના સોફટવેરના ઉપયોગથી શરૂઆતનાં તબક્કામાં મુખ્‍યત્‍વે જન્‍મ-મરણનું પ્રમાણપત્ર, મિલ્‍કતની આકારણી અને વેરા વસુલાત, આવકનો દાખલો, જાતિનો દાખલો, ચારિત્રયનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર વગેરે અને સરકારી વિવિધ યોજનાઓના ફોર્મસ / અરજીપત્રકો ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. તેમજ તમામ તલાટી-કમ-મંત્રીશ્રીઓને ઈ-ગ્રામ સોફટવેરની તાલીમ આપવામાં આવેલ છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત પંચાયતીરાજ સંસ્‍થાઓના પદાધિકારીઓને પણ કોમ્‍પ્‍યુટર અંગેની તાલીમ આપવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ઈ-ગ્રામોમાં ઈન્‍ટરનેટ કનેકટીવીટી પુરી પાડવામાં આવી રહેલ છે. જેના કારણે ગ્રામ્‍ય કક્ષાએ ખેડૂતોને આપવાના થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતીઓ તાલુકા જિલ્‍લા કક્ષાના સર્વર ઉપરથી ગ્રામ પંચાયત ખાતે આપી શકાય. તેમજ ગામના એન.આર.જી./ એન.આર.આઈ. સાથે ઈન્‍ટરનેટના ઉપયોગથી સાયબર સેવા અંતર્ગત ગ્રામજનો દ્વારા ખેતી વિષયક, શૈક્ષણિક વિષયક, આરોગ્‍ય વિષયક માહિતીની ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્‍ધ કરાવી શકાય. આ ઉપરાંત ઈ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સંબંધિત સેવાઓ ચાલુ કરવામાં આવેલ છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત તમામ જિલ્‍લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોને ગુજરાત સ્‍ટેટ વાઈડ એરિયા નેટવર્ક દ્વારા જોડાણ કરવામાં આવેલ છે. માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્‍દ્રો ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમ આપવામાં આવેલ છે. દરેક તાલુકા પંચાયતો ખાતે તાલુકા ઈન્‍ફોર્મેશન સેન્‍ટર બનાવવામાં આવેલ છે. તેમજ તમામ સેન્‍ટરો ખાતે લોકોને જરૂરી માહિતી અને જાણકારી આપવા માટે ટચ સ્ક્રિન કિયોસ્‍ક મુકવામાં આવેલ છે. તેમજ ઈ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામના ખાનગી ગામ કોમ્‍પ્‍યુટર સાહસિકની સેવાઓ ઈ-ગ્રામ પંચાયત ખાતે મેળવવાની ચાલુ કરેલ છે. જેના કારણે ગામના યુવાન / યુવતી માટે સ્‍વરોજગારીની તકો ઉભી થયેલ છે. ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિકની ગ્રામ પંચાયત ખાતે સતત ઉપ‍લબ્ધિના કારણે ગ્રામ્‍યજનોને ઈ-ગ્રામ સેવાઓ સમયસર પુરી પાડી શકાય છે. અને ગ્રામ પંચાયતની આવકમાં વધારો થાય છે. આ યોજનાનો લાભ જે તે ગામના તમામ ગ્રામ્‍યજનોને મળી શકે છે. આમ, ગુજરાત સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોને ઈ-પંચાયત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.